શું તમને ખબર છે..? તમારા રસોડામાં વપરાતી 90 ટકા શાકભાજી રાસાયણિક ખાતર અને વિવિધ જંતુ નાશક દવાઓથી યુક્ત છે.રોજબરોજ જાણતા અજાણતાં કેટલું ઝેર આપણે પેટમાં પધરાવીએ છીએ..! અને કેન્સર,હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ,ડાયાબિટીસ,આંખ,પેટ,વાળની સમસ્યા અને અકાળે વૃદ્ધત્વ જેવાં રોગોને આમંત્રણ આપીએ છીએ.
આ બધીજ સમસ્યાઓથી બચવા એક નવું કલ્ચર વિકસી રહ્યું છે..અને એ કલ્ચર છે, "ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગ.."
ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા દરેક પ્રકારના શાકભાજી,ફળ,ફૂલ,અનાજ,કઠોળ સંપૂર્ણ પણે રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત પેસ્ટીસાઇડથી મુક્ત હોય છે.દરેકે દરેક વસ્તુ કુદરતી રીતે ઉગાડવામાં આવે છે.તમે અનુભવ કર્યો જ હશે કે આજકાલ બટાકા,ડુંગળી,કોબી,ફ્લાવર,ભીંડા જેવી શાકભાજી ઓ પોતાનો અસલ સ્વાદ ગુમાવી બેસી છે.આ પાછળનું કારણ છે,હાઈબ્રીડ બીજ અને રાસાયણિક ખાતર તેમજ જતુંનાશક દવાઓનો અતિરેક.
જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં દેશી બીજ પર પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે.એ સાથે જ વર્મીકમ્પૉસ્ટ,સુકા પાંદડા,કોકોપીટ (નારીયેળના છોતરામાંથી બનાવવામાં આવતું ખાતર),વગેરે કુદરતી તત્વોમાંથી બનાવેલાં ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જંતુનાશક તરીકે કડવા લીમડા કે સીતાફળીના પાનના રસનો ઉપયોગ થાય છે. અને એના કારણે શાકભાજીઓનો ઓરીજીનલ સ્વાદ બરકરાર રહે છે. ઓર્ગેનિક વેજિટેબલ્સની કોઈ આડઅસર ન હોવાને કારણે તંદુરસ્તીની દ્રષ્ટિએ એના ફાયદા જ ફાયદા છે.
ગામડાની સાથે સાથે શહેરીજનો પણ આજે ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ તરફ વળ્યા છે. શહેરોમાં આજે ટેરેસ ફાર્મિંગ નો ક્રેઝ વધ્યો છે. ટેરેસ ઉપર કુંડાઓમાં ઓર્ગેનિક પદ્ધતિથી વિવિધ શાકભાજીઓ આસાનીથી ઉગાડી શકાય છે.તમે પણ આ રીતે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરી જુઓ..અને પોતાના પરિવારને રાસાયણિક તેજાબી ઝેરથી મુક્ત રાખો.
Comments
Post a Comment